Category: ચાલો નવા વર્ષે માનવીય સંબંધોની નવી રીતે માવજત કરીએ1

ચાલો નવા વર્ષે માનવીય સંબંધોની નવી રીતે માવજત કરીએ

ઈ.સ. ૨૦૨૪ નું નવું વર્ષ આપણા આંગણે આવીને ઉભું છે ત્યારે આ નવા વર્ષે આપણા જીવનના માનવ સંબંધોને નવા રંગરૂપ આપી નવ પલ્લિત કરવા પ્રયત્ન કરીએ.  

• કુદરતે દરેક વ્યક્તિનું નિર્માણ અન્ય વ્યક્તિ કરતા અલગ જ કર્યું છે તે વાસ્તવિકતાને સ્વીકારવી અને તે વ્યક્તિને તમે ઈચ્છો છો તેમ નહિ પરંતુ તે જેવા છે તેમ જ તમે તેને સ્વીકારી શકશો કે કેમ તે સમજવું.

• સમય, સંજોગ, ઘટના, અનુભવ અને ઉંમરને કારણે વ્યક્તિના વ્યવહાર અને વર્તનમાં ફેરફાર થતા હોય છે. આ અંગે ખુલ્લા મને ચર્ચા કરવી અને આ પ્રકારના બદલાવને સ્વીકારવા.

• કોઈ વ્યક્તિ સાથે તમારે ગાઢ સંબંધ હોવા છતાં તમારે તે વ્યક્તિથી કોઈ કાર્ય છુપાવીને કરવું પડે તેવી સ્થિતિમાં સમજવું કે તે સંબંધમાં ક્યાંક તકલીફ છે. આ અંગે બંને પક્ષેથી વહેલી તકે ખુલ્લા મને ચર્ચા કરી લેવી.

• સંબંધોમાં તકલીફ સમયે કોઈ ઈશ્વરીય તત્વ તમારી સામે પ્રગટ થઈને સમસ્યાનું સમાધાન કરવા આવવનું નથી. આપણે માનતા હોઈ છે જે વ્યક્તિ સાથે તકલીફ થઇ છે, તેની આંખો ખુલશે ત્યારે તેને સમજાશે પરંતુ તેવું કઈ હોતું નથી માટે જે વ્યક્તિ સાથે જે કારણથી તકલીફ થઇ હોઈ તે અંગે તેની જ સાથે ખુલ્લા મને ચર્ચા કરી લેવી જોઈએ.

• સંબંધોમાં તકલીફ થાય ત્યારે આક્ષેપો-પ્રતિ આક્ષેપો ટાળવા. સંભળાવી દેવું, બતાવી દેવું, જોઈ લઈશ પ્રકારની વૃત્તિ અપનાવવાથી તકલીફ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી હોય છે.

• ક્રોધ આવવો તે સહજ છે પરંતુ સંબંધોની માવજત માટે ક્રોધનું યોગ્ય વ્યવસ્થાપન ખુબ જ અનિવાર્ય છે.

• વર્ષો સુધી એકબીજાની સાથે રહ્યા બાદ આપણે કોઈ ઘટના ઘટિત થવાને કારણે એવું કહેતા હોઈએ છે કે તમે કેવા છો તે અંગેની સાચી ઓળખ તો મને હવે થઇ અથવા તમારો સાચો ચહેરો હવે બહાર આવ્યો ત્યારે એવું સમજવું કે આ શબ્દો સાંભળ્યા બાદ સામે પક્ષે પણ મહદ્દ અંશે આ જ લાગણીની અનુભૂતિ થતી હોઈ છે. માટે, ક્રોધ કે તકલીફ કારક સ્થિતિમાં વાણી વૈભવ ક્યાંક વાણી વિલાસ ન બની જાય તેની ખુબ જ ઝીણવટભરી રીતે કાળજી રાખવી.

• કોઈ પણ માણસ સંપૂર્ણ નથી. માટે હું કોઈ એક વ્યક્તિ સાથેના સંબંધોમાં કઈ બાબતો કેટલા અંશે ચલાવી લઈશ અને કઈ બાબતો સાથે બાંધછોડ નહિ કરું તે અંગેની લક્ષ્મણ રેખા નક્કી કરી લેવી અને આ અંગે બંને પક્ષે ચર્ચા કરી લેવી.

• પ્રમાણિકતા, વિશ્વાસ, અને સાતત્યપૂર્ણ સત્ય સંબંધોની ઈમારતના પાયા છે. તે જેટલા મજબૂત તેટલો સંબંધ મજબૂત.

• એક વ્યક્તિનો બીજા વ્યક્તિ સાથેનો સંબંધ વ્યક્તિને મજબૂત બનાવતો હોવો જોઈએ મજબૂર નહિ.

• સંબંધોમાં મતભેદને અવકાશ છે મનભેદને નહિ તે સમજવું.

• કોઈ પણ વ્યક્તિ સાથે પરાણે સંબંધ રાખવા માટેનું દબાણ ન કરવું.

• દરેકને પોતાની વ્યક્તિગત સ્વતંત્રતા વહાલી હોય છે. માટે કોઈની સ્વતંત્રતાને આંચકી લેવાનો પ્રયત્ન ન કરવો.

• કોઈ એક વ્યક્તિ સાથે તમારા સંબંધોમાં તકલીફ થયા પછી પ્રયત્ન કર્યા બાદ પણ તે સંબંધ ફરી યોગ્ય રીતે અસ્તિત્વમાં ન આવે ત્યારે સામેની વ્યક્તિ તમારા માટે દુશ્મન ન બનવી જોઈએ. તેની સાથે નફરત ન રાખવી જોઈએ. 

• ભૂલને સ્વીકારતા શીખવું અને તેનું પુનરાવર્તન ન થાય તેની કાળજી લેવી.

• સંબંધ અને વ્યક્તિ બંનેને સમયની જરૂર છે. તે આપો, ધીરજ ધરો, ઉતાવળ ન કરશો. 

• સંબંધોમાં સંઘર્ષને બદલે સહકારને વધુ મહત્વ આપવું. 

• યોગ્ય લાગે તો માફી માંગી લેવી અને માફ કરી પણ દેવા. 

આ તમામ બાબતોને કોઈ એક સંબંધના નામ સાથે ન જોડતા એક માનવના બીજા માનવ સાથેના સંબંધને ધ્યાને રાખીને જોવી અને સમજવી. 

અંતમાં, ખલીલ જિબ્રાનના શબ્દો, “साथ होने के लिए हंमेशा नजदीक होने की ज़रूरत नहीं है”

Social