Category: જરૂરી શું…? ધર્મનું અતઃકરણ પૂર્વક આચરણ કે બાહ્ય આડંબર1

જરૂરી શું…? ધર્મનું અતઃકરણ પૂર્વક આચરણ કે બાહ્ય આડંબર

અયોધ્યામાં રામ મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા અંગેની તારીખ જાહેર થતાની સાથે જ દેશ આખો જાણે રામમય બની ગયો તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં “રામ આયેંગે…!” ગીત ધૂમ મચાવી રહ્યું છે. દેશના વડાપ્રધાને પણ હંસરાજ રઘુવંશીના “જયશ્રી રામ…!” ભજનને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર પોસ્ટ કર્યું છે અને આ અંગેનો ઉલ્લેખ પ્રધાનમંત્રી દ્વારા મન કી બાતના ૧૦૮માં એપિસોડમાં કરવામાં આવેલ કે “વિતેલા કેટલાક દિવસોમાં શ્રી રામ અને અયોધ્યા અંગે ખુબ બધા નવા ગીતો અને ભજનો બનવવામાં આવ્યા છે. મારો અનુરોધ છે કે હેશટેગ શ્રી રામભજન (#ShriRamBhajan)ની સાથે તમે તમારી રચનાઓને સોશિયલ મીડિયા પર શેર કરો.” ક્યાંક વ્યક્તિગત રીતે કોઈ રામ ભક્ત દ્વારા ૧૦૮ ફૂટ લાંબી અગરબત્તી તૈયાર કરી અયોધ્યા મોકલાવવામાં આવી છે; તો કેટલાક ભક્તો દ્વારા હવન માટે ઘી તથા દર્શનાર્થીઓ માટે પ્રસાદ મોકલાવવામાં આવી રહ્યો છે. કેટલાક ધાર્મિક, સામાજિક અને રાજકીય સંગઠનો સાથે જોડાયેલ કાર્યકર્તાઓ તેમને મળેલ સુચના અનુસાર વિરાટ રેલી, ધર્મસભા, અને “હર ઘર ચલો અભિયાન” થકી ઘરે ઘરે અક્ષત કળશ પૂજન અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ સ્વરૂપે અક્ષત વિતરણ કરી રહ્યા છે. તો “સબકે રામ” વાળા પ્રોફાઈલ પિક્ચર મુકવાના મેસેજ પણ ખુબ ફરી રહ્યા છે. ટૂંકમાં જાણે દેશની પ્રજાને “રામમય” બનાવવાની હોડ લાગી હોય તેવા વાતાવરણનું સર્જન થઇ રહ્યું છે. વ્યક્તિ પોતાની ધાર્મિક લાગણીની અભિવ્યક્તિ તેમાં કશું ખોટું થઇ રહ્યું એવું જરા પણ ન કહી શકીએ. કારણ કે દેશના બંધારણમાં જણાવ્યા અનુસાર જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે તે રીતે તમામ લોકોને અંતઃકરણની સ્વતંત્રતાનો અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો સમાન હક્ક આપવામાં આવ્યો છે.
આમ બંધારણીય રીતે ભારતમાં દરેક ધર્મના અનુયાયીઓને પોતાના ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાનો સમાન હક્ક મળેલ હોઈ, મહદઅંશે આપણે ત્યાં દરેક ધર્મના લોકો ધાર્મિક પ્રસંગો અને ઉત્સવો સમયે રેલી, જુલૂસ કે સભાના માધ્યમો થકી જોરશોરથી પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરતા જોવા મળે છે. પરંતુ આપણે ત્યાં ધર્મનો દેખીતો પ્રચાર પ્રસાર માત્ર ધાર્મિક આગેવાનો પૂરતો સીમિત નથી. રાજકીય નેતાઓ ધર્મના નામે આચરવામાં આવતા આડંબરોમાં સૌથી ઉપરના સ્થાને આવે છે. મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે દરેક રાજકીય પક્ષના પોતાના ધાર્મિક સમીકરણો ગોઠવાયેલા હોય છે. આમ પણ વર્ષોથી ભારતમાં મહદ અંશે ધર્મએ લોકોની આસ્થા અને લાગણી સાથે ચુસ્તપણે જોડાયેલ મુદ્દો રહ્યો છે. આ જ કારણથી આપણે બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ હોવા છતાં પણ વારંવાર ધર્મ, ધર્માંતરણ અને સાંપ્રદાયિકતાના ધુણતા ભૂતનો અહેસાસ કરતા હોઈએ છીએ. રાજનેતાઓ જયારે ધર્મને રાજકીય રંગે રંગીને આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે ત્યારે આપણે ધર્મનું અંતઃકરણ પૂર્વક આચરણ કરવાને બદલે તેને રાજકીય રંગના ચશ્માં ચડાવીને મૂલવીએ છીએ. આ સ્થિતિમાં આપણે લાગણીવશ થઈને ધર્મના ખરા મર્મને સમજવાને બદલે ધર્મના નામે ચાલતા દેખાડા અને આડંબરો તરફ વધુ આકર્ષાઈ જઈએ છીએ. ત્યારે અહિયાં એ મંથન કરવું જરૂરી બને છે કે અયોધ્યામાં થનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં જે માહોલ ઉભો થઇ રહ્યો છે તે શું સ્વયંભૂ છે કે કોઈ આપણી ધાર્મિક લાગણીનો ઉપયોગ કરીને તેનો રાજકીય લાભ ખાંટવા માંગે છે? આ પ્રશ્ન એટલા માટે પણ ઉપસ્થિત થાય છે કે દેશમાં અનેક જગ્યાઓ પર એવું પણ બને કે ગામના રામ મંદિરમાં સવાર-સાંજ આરતી સમયે જેટલા લોકો ભેગા થતા ન હોય તેના કરતા વધુ સંખ્યામાં લોકો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે આપણા ઘરે ઘરે આવીને પ્રચાર પ્રસાર કરી રહ્યા હોય…!
હવે એ પણ સમજી લઈએ કે ભારતના બંધારણમાં દર્શાવેલ નાગરિકોના મૂળભૂત હક્કો પૈકી ધર્મ સ્વાતંત્ર્યનો હક્ક દેશના તમામ નાગરિકોને આપવામાં આવેલ છે. ભારતનું બંધારણ ધર્મનિરપેક્ષ રાજ્યનું અનુમોદન કરે છે. જે અનુસાર દેશમાં કોઈ પણ ધર્મને રાજધર્મ માનવામાં આવશે નહિ તથા કોઇ પણ ધર્મને સંરક્ષણ કે પ્રાથમિકતા આપવામાં આવશે નહિ. આમ, ભારતમાં કોઈ માન્ય કે સ્વીકૃત ધર્મ નથી. ૧૯૭૬માં ૪૨માં બંધારણ સંશોધન દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ જોડવામાં આવ્યો છે. ધર્મનિરપેક્ષતા એટલે પંથ, જાતિ, સંપ્રદાયના આધાર પર કોઈ પણ ધર્મના અનુયાયીથી ભેદભાવ ન રાખવો.
આ તમામ સ્થિતિ વચ્ચે આપણા સમાજમાં દરેક ધર્મોમાં ધર્મના નામે કેવા આડંબર ચાલે છે અને ખરેખર ધર્મનું યોગ્ય આચરણ શું હોઈ શકે તે અંગેની યોગ્ય સમજ મેળવવી અને કેળવવી તે સાંપ્રત સમયની માંગ હોય તેમ સમજાય છે. ત્યારે આ અંગે સંત કબીર ધર્મના નામે ચાલતા આડંબર સામે માણસના કર્મ અને નીતિમત્તાને ધર્મ સાથે જોડતા જણાવે છે કે, “पाथर पूजे हरी मिले, तो मै पूजू पहाड़! घर की चक्की कोई न पूजे, जाको पीस खाए संसार !!” “माटी का एक नाग बनाके, पुजे लोग लुगाया! जिंदा नाग जब घर मे निकले, ले लाठी धमकाया !!” ”हिन्दू कहें मोहि राम पियारा, तुर्क कहें रहमाना, आपस में दोउ लड़ी-लड़ी मुए, मरम न कोउ जाना।”
સત્યના માર્ગને ધર્મનું મૂળ તત્વ જણાવતા કબીર કહે છે, “साँच बराबर तप नहीं, झूठ बराबर पाप। जाके हिरदै सांच है, ताकै हृदय आप॥” જ્ઞાતિ, જાતિ, ધર્મ અને સંપ્રદાયોમાં પ્રવર્તમાન અસમાનતા, ભેદભાવ, છૂત-અછૂત જેવા દુષણોનો અયોગ્ય ઠેરવતા કબીરે તે સમયે જણાવ્યું હતું કે, “कबीरा कुंआ एक हैं, पानी भरैं अनेक। बर्तन में ही भेद है, पानी सबमें एक ॥” વધુમાં કબીર જણાવે છે કે ”जाति ना पूछो साधू की, पूछ लीजिये ज्ञान ! मोल करो तलवार का, पड़ा रहन दो म्यान !! ઈશ્વરને આપણે શોધીએ છે ક્યાં અને ઈશ્વર ક્યાં રહેલો છે તે અંગેની સમજ આપતા કબીર જણાવે છે કે, तिल माहि तेल है, ज्यों चकमक में आग । तेरा साईं तुझ ही में है, जाग सके तो जाग । ઈશ્વર, અલ્લાહ અને કુદરતના સર્જનહારને સમજવા અને શોધવાનો રસ્તો સરળ બનાવતા કબીર, પંથીને કહે છે કે,
मोको कहाँ ढूंढे रे बन्दे ,
मैं तो तेरे पास में।
ना मैं तीरथ में, ना मैं मुरत में,
ना एकांत निवास में ।
ना मंदिर में , ना मस्जिद में,
ना काबे , ना कैलाश में।।
ना मैं जप में, ना मैं तप में,
ना बरत ना उपवास में ।।।
ना मैं क्रिया करम में,
ना मैं जोग सन्यास में।।
खोजी हो तो तुरंत मिल जाऊ,
इक पल की तलाश में ।।
कहत कबीर सुनो भई साधू,
मैं तो तेरे पास में बन्दे…
मैं तो तेरे पास में
આશા રાખીએ કે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા માત્ર મંદિર પૂરતી સીમિત ન રહેતા સમગ્ર દેશમાં ખરા અર્થમાં ન્યાયપૂર્ણ શાંતિ સ્વરૂપે રામ રાજ્યની સ્થાપના થાય.

Social