Category: સાણંદના છારોડીમાં ઝીણી કાળી કપચી લોકોના ઘરો સુધી પહોંચતાં આરોગ્યનું જોખમ1

સાણંદના છારોડીમાં ઝીણી કાળી કપચી લોકોના ઘરો સુધી પહોંચતાં આરોગ્યનું જોખમ

સાણંદ તાલુકાના છારોડી ગામના ઇન્દિરા નગર વિસ્તારની પાછળના ભાગે ખાનગી કંપની દ્વારા જોખમી ઉત્પાદનની કામગીરીને સ્થાનિક રહિશોની જાન-માલ, મિલકત અને આરોગ્ય જોખમમાં મુકતા આ કંપનીની પ્રવૃત્તિ અટકાવવા મંગળવારે સ્થાનિકોએ સાણંદ પ્રાંત કચેરી તેમજ પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં લેખિત આવેદનપત્ર આપ્યું હતું. રહિશોએ આપેલા આવેદન મુજબ આ કંપની દ્વારા કરવામાં આવતી કામગીરીને લઈને તેની ભઠ્ઠી / બોઈલરમાંથી ઝીણી ઝીણી કાળી કપચી ઉડીને તેઓના ઘર ઉપર પથરાઈ જાય છે. જેને લઈને સ્થાનિકોના ઘરની બહાર અને ઘરની અંદર ખુબ તકલીફ પડી રહી છે.
આ ઝીણી ઝીણી કાળી કપચી પીવાના પાણીમાં, ખોરાકમાં ભળી જતી હોઈ જીવનું જોખમ ઉભું થયું છે. તેમજ આ ઝીણી ઝીણી કાળી કપચી આ વિસ્તારમાં રહેતા મોટી ઉંમરના રહિશો, બાળકોના શ્વાસમાં જતી હોઈ અમારા આરોગ્યને હાની પહોચી રહી છે. આ કેમિકલ યુક્ત ઝીણી ઝીણી કાળી કપચી પાણીમાં ભળવાથી ખોરાકમાં ભળવાથી અને શ્વાસથી શરીરમાં જતી હોઈ આ વિસ્તારના લોકો ખુબ ગંભીર બીમારીનો ભોગ બની શકીએ તેવી પરિસ્થિતિનું નિર્માણ પાછલા છએક મહિનાથી થયું છે. આ બાબતે સ્થાનિક રહિશો દ્વારા આ ખાનગી કંપનીના મેનેજર તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને અનેક રજુઆતો કરી હોવા છતાં જન આરોગ્યની સુખાકારીની ફરિયાદનો હકારાત્મક નિકાલ કરવા માટે કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી. આથી પ્રદુષણ ફેલાવતી કંપની વિરૂદ્ધ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Social