ગુજરાતના ડૉ.યઝદી ઇટાલિયાને મળ્યો પદ્મશ્રી એવોર્ડ : જાણો તેમના વિશે…

January 26th, 2024

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ 34 પ્રભાવશાળી વ્યક્તિઓને પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે, આ યાદીમાં અનેક શક્તિશાળી વ્યક્તિઓને પુરસ્કાર આપવાની સરકારે જાહેરાત કરી છે. જેમાં ગુજરાતથી ડો. યઝદી ઇટાલિયાનું નામ મોખરે છે.ડૉકટર યઝદીએ આદિવાસની સમાજમાં ખુબ મોટું યોગદાન આપ્યું છે.

ડો. ઇટાલિયા, પીએચ.ડી. અનુવાદ વૈજ્ઞાનિક છે,સિકલ સેલ એનિમિયા એ આદિવાસીઓમાં જોવા મળતો આનુવંશિક રોગ છે, જે કલર ફોર્મ્યુલાની ઉણપને કારણે થાય છે, જેના પરિણામે ગંભીર શારીરિક અને માનસિક પીડા થાય છે. વર્ષોથી ડો. યઝદી ઇટાલિયા ડુગનરલ અને એટેન્રિયલ વિસ્તારોમાં આદિવાસીઓને આ વારસાગત રોગની પીડામાંથી મુક્તિ આપવા માટે કામ કરી રહ્યા છે.1978થી તેમને અગ્રણીઓમાંના એક તરીકે ગણવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા ભારતના પ્રથમ સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામના ડિરેકટર 2006થી 2012 હતા. આ કાર્યક્રમને રાષ્ટ્રીય સ્તરે એક મોડેલ પ્રોજેકટ તરીકે વડાપ્રધાનનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ ઈન્ડો-યુએસ એનબીએસ પ્રોજેકટ સહિત ઘણા આઈસીએમઆર સંશોધન પ્રોજેકટ માટે સહ-તપાસકર્તા હતા.સિકલસેલનો પ્રથમ પ્રોજેકટ ડો.યઝદી ઇટાલિયાએ મુક્યો હતો. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં સિકલસેલ એનિમિયા અને સિકલસેલ રોગથી બચાવવા તેમની તપાસ થવી જરૂરી હતી, અને તે એ કામમાં લાગી ગયા .
નોંધનીય છે કે .વર્ષ 2006મા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સિકલસેલ એનીમિયા નિયંત્રણ કાર્યક્રમને પ્રથમ વખત ભારત દેશમાં ગુજરાત રાજ્યની આરોગ્ય સેવા કરવા વલસાડ રક્તદાન કેન્દ્રને જવાબદારી સોંપી હતી. 2011માં રાજ્યના આ કાર્યક્રમને તે સમયના વડાપ્રધાન મનમોહનસિંઘ દ્વારા ભારતના અસંખ્ય આદિવાસીઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકે એવો નવતર અભિગમ રૂપ કાર્યક્રમ હોય, ગૌરવવંતો પ્રધાનમંત્રી એવોર્ડ આપ્યો હતો.હાલમાં જ 2023માં સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયાના નિવારણ અને નિયંત્રણ માટે આરોગ્ય સેવાઓમાં નોંધપાત્ર યોગદાન બદલ ડો. યઝદી ઇટાલિયાને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

75 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

January 26th, 2024

75 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.જે બાદ બાળકો દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા પાઈપબેન્ડ ડિસ્પ્લે, મહિલા કોરિયોગ્રાફી, મોટર સાયકલ સ્ટંટ શો તેમજ ડોગ શો તથા અશ્વ શો યોજાયો હતો.
75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં કોસ્ટગાર્ડ, BSF,ચેતક કમાન્ડો ફોર્સ, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, એસઆરપી, ગુજરાત જેલ વિભાગ સહિત વિવિધ જિલ્લા પોલીસની 25 પ્લાટુન જોડાઈ હતી.ગુજરાતની મહિલા પોલીસે દિલધડક કોરિયોગ્રાફી કાર્યક્રમ રજૂ કરી નારી શક્તિના દર્શન કરાવ્યા હતા. તિરંગાના રંગમાં સજ્જ ત્રણ ટીમોએ પરેડ ગ્રાઉન્ડ પર બનાવેલા અલગ અલગ ફોર્મેશન નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થયા હતા.મહિલા પોલીસકર્મીઓના કોરિયોગ્રાફી કાર્યક્રમ બાદ ગુજરાત પોલીસના જવાનો દ્વારા દિલધડક બાઈક સ્ટંટ રજૂ કરવામાં આવ્યું હતું. બાઈક સ્ટંટમાં પણ નારી શક્તિના દર્શન થયા હતા.જૂનાગઢ જિલ્લાની વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાસ-ગરબાની રમઝટ કરવામાં આવી હતી. ત્યારબાદ એસઆરપી પાઈપ બેન્ડ દ્વારા ડીસ્પેલ રજૂ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ ખાતે આજે 75 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક ‘સોરઠ ધરા સોહામણી’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીલ્લાને એક જ દિવસે 781 કરોડના 617 કામોની ભેટ પણ આપી હતી. તેમજ મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગર પાલિકા, જીલ્લા નગરો અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે અઢી-અઢી કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત પણ કરી હતી. જૂનાગઢ જીલ્લામાં પાયાની સુવિધાઓ જેવી કે, રોડ, રસ્તા, આરોગ્ય કેન્દ્ર, પાણી પુરવઠો સહિત બીજા અન્ય કામો મળી રૂા. 100 કરોડના 187 વિકાસ કામોનું લોકાર્પણ. તેમજ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં 150 કામો રૂા. 88 કરોડના ખર્ચે હાથ ધરવા માટે ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

મોરબી-માળિયા હાઈવે પર ડમ્પર પાછળ ઘુસતા યુવાનનું મોત

January 25th, 2024

સૂત્રોના જણાવ્યા મુજબ, બહાદુરગઢ ગામ નજીક આવેલા કારખાનામાં રહીને કામ કરતા કનુભાઈ બારીઆએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે કનુભાઈ ડમ્પરનું ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બપોરના સમયે બહાદુરગઢ ગામ પાસે આવેલા માઈક્રોન્સ પાવડર કારખાનામાંથી ડમ્પરમાં પોટાશ પાવડર ભરીને સરતાનપર રોડ આવેલા બ્રોન્ચ કારખાનામાં ખાલી કરવા જતા હતા. ત્યારે મોરબી-માળિયા હાઈવે પર કાવેરી સિરામિક પાસે ડમ્પર રોડની સાઈડમાં રાખી ચા પાણી પીવા ગયા હતા.

અચાનક ડમ્પર પાછળ કોઈ વાહન અથડાયાનો અવાજ આવતા ડમ્પર પાસે જઈને જોતા એક બાઈક ડમ્પર પાછળ ઘુસી ગયું હતું. જે અકસ્માતમાં બાઈકના ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મોરબી બાદ વધુ સારવાર માટે બાઈક ચાલકને રાજકોટ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયાનું જાણવા મળ્યું હતું.

બનાસકાંઠાના દિયોદરમાં પરિવારે કેનાલમાં ઝંપલાવ્યું

January 25th, 2024

ગુજરાતમાં આત્મહત્યાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, બનાસકાંઠાના દિયોદરમાં પણ સામુહિક મોતની છંલાગની ઘટના સામે આવી છે.દિયોદરમાં એક પરિવારના 3 લોકોએ કેનાલમાં મોતની છંલાગ લગાવી હતી. દિયોદરના પતિ-પત્ની અને તેમના બાળક સાથે નહેરમાં ઝપલાવતા ચકચાર મચી જવા પામી છે. આત્મહત્યા કરનાર પરિવાર ભાભરના મેરા ગામનો હોવાનું સામે આવ્યું છે. હાલ પરિવારના 3 સભ્યોના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે.સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહની શોધખોળ કરવામાં કરાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણ થતા પોલીસ સત્વરે ઘટનાસ્થળે પહોંચી હતી,પરિવારના 3 સભ્યોએ કેનાલમાં મોતની છંલાગ લગાવી હોવાથી તેમની બોડીની શોધખોળ કરવા પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદ લીધી છે, હજી સુધી તેમની બોડી મળી નથી. ફાયર ટીમપણ ઘટનાસ્થળે પહોંચીને બોડીની શોધખોળમાં કામે લાગી છે.આ બનાવની જાણ થતા ગામના લોકો કેનાલ પાસે પહોંચ્યા હતા,સમગ્ર ગામમાં હાલમાં આ પરિવારે આત્મહત્યા માટે કેમ પગલું ભર્યું તે અંગે ચર્ચા ચાલી રહી છે.

અપક્ષ ધારાસભ્યપદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામું, વાઘોડિયા બેઠક પરથી ભાજપમાંથી પેટા ચૂંટણી લડશે

January 25th, 2024

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે. ધારાસભ્યોના રાજીનામા પર રાજીનામા પડી રહ્યાં છે! ત્યારે ગુજરાતમાં વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડ્યું છે. અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષને મળીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ લોકસભા ચૂંટણી પહેલા કેસરિયા કરવાની તૈયારી કરી લીધી છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક પરથી ભાજપમાંથી પેટા ચૂંટણી લડશે. ભાજપમાં રાજકીય સમીકરણ સેટ થઈ જતાં તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો, જોકે અગાઉ બે વખત ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે એવી ચર્ચાઓ ચાલી હતી. અંતે આજે ફાઇનલી રાજીનામું આપી દીધું છે. ત્યારે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહે પણ રાજીનામું આપવાના સંકેત આપ્યા છે.

વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું અધ્યક્ષને સોંપ્યું છે અને તેઓ ભાજપમાં જોડાશે. તેમના રાજીનામાથી વાઘોડિયા બેઠક પર લોકસભાની ચૂંટણી સમયે પેટાચૂંટણી આવવાની સંભાવના છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત પણ કરી હતી. ઉત્તરાયણ પછી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. ત્યારે હવે ધર્મેન્દ્રસિંહ કેસરિયા કરવા જઈ રહ્યાં છે.

ગુજરાત પોલીસના 17 અધિકારી-કર્મચારીઓને મેડલ એનાયત કરાશે

January 25th, 2024

ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે 26 જાન્યુઆરી 2024ના રોજ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. દરવર્ષની જેમ આ વર્ષે પણ પોલીસની વિશિષ્ઠ સેવાઓ અને કામગીરીને આધારે તેમણે મેડલ એનાયત કરવામાં આવશે. વિગતો મુજબ ગુજરાત પોલીસના 17 અધિકારી-કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં 2 પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે તો 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે. 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વીરતા અને સેવા મેડલોની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર આ વર્ષે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સના 1132 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં ગુજરાત પોલીસના 17 અધિકારી-કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરવામાં આવશે.

કયા અધિકારી-કર્મચારીઓને મેડલ એનાયત ?
પ્રેમવીર સિંઘ, ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, અમદાવાદ
નરેન્દ્રભાઈ ચૌધરી, એડિશનલ કમિશનર ઓફ પોલીસ, ટ્રાફિક, અમદાવાદ
કીરીટકુમાર ચૌધરી, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત
ભામરાજી જાટ, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત
ભગીરથસિંહ ગોહીલ, અનઆર્મ્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત
જલુભાઈ દેસાઈ, અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
જયેશ ભાઈ પટેલ, અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
દીલીપસિંહ ઠાકોર, અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
અલ્તાફખાન પઠાણ, અનઆર્મ્ડ પોલીસ સબ ઈન્સપેક્ટર, ગુજરાત
સુખદેવસિંહ ડોડીયા, અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
કમલેશભાઇ ચાવડા, PSI, ગુજરાત
યોગેન્દ્રસિંહ રાઠોડ, PSI, ગુજરાત
શૈલેશકુમાર દુબે, અનઆર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર, ગુજરાત
શૈલેશકુમાર પટેલ -અનઆર્મ્ડ PSI, ગુજરાત
અભેસિંગ રાઠવા -અનઆર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર, ગુજરાત

વડોદરાના ભોજ ગામે રામયાત્રા પર હુમલાના કેસમાં 13 ઝબ્બે

January 25th, 2024

સમગ્ર દેશમાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ ધામધૂમથી ઉજવણીઓ ચાલી રહી હતી ત્યારે શહેરના પાદરા તાલુકાના ભોજ ગામે યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો, જેમાં અત્યાર સુધીમાં 16 સામે નામજોગ અને 10 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે વડું પોલીસે 13 આરોપીઓને ઝડપી પાડયા છે. જોકે, 3 આરોપી હજુ પણ ફરાર છે. LCB અને SOG સહિતની એજન્સીઓ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

સુરતમાં 8 બોગસ પેઢીએ 200 કરોડનાં નકલી GST બિલ બનાવી 30 કરોડથી વધુનો ચૂનો ચોપડ્યો

January 25th, 2024

સૂત્રોના જણાવ્યા અનુસાર ખોટા આધારકાર્ડ, લાઇટ બિલ તેમજ ભાડા કરાર બનાવી ધંધાકીય પેઢીઓ ઊભી કરીને 200 કરોડના બોગસ જીએસટી બિલ બનાવી સરકારને 30 કરોડથી વધુનો ચૂનો ચોપડાયો છે. CGSTએ 8 સ્થળે તપાસ કરી તો કોઈ ધંધો ચાલતો ન હોવાનું સામે આવ્યું હતું. સીજીએસટીએ આ રેકેટ પકડી પાડી ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ આપી છે.

બોગસ આધારકાર્ડ, લાઇટ બિલ અને ભાડા કરાર ખોટા બનાવી પેઢીઓ ઊભી કરી બેંકમાં ખોટા ખાતાઓ ખોલાવીને જીએસટી નંબર મેળવ્યો હતો. આ આઠેય પેઢીઓમાં 200 કરોડથી વધુના બોગસ જીએસટી બિલો બન્યા હોવાનું સામે આવ્યું છે. તેની આઇટીસી આશરે 30 કરોડની છે. સેન્ટ્રલ જીએસટીએ કરોડોના ટ્રાન્ઝેકશનો થતા હોય અને આઈટીસી બાકી હોય તેવી કંપનીઓના સ્થળ પર જઈ તપાસ કરી હતી, જેમાં આઠેય પેઢીઓના એડ્રેસ પર તપાસ કરતા આવી કોઈ પેઢી ન હતી. હાલમાં આ કેસની ઈકોસેલે તપાસ શરૂ કરી છે.

ગોવિંદ નગર પીપલીયા ફળિયાના પ્લોટમાં આવેલી સ્કાય એન્ટરપ્રાઇઝના પ્રોપાઇટર રામજી મેરામ મેણીયા, સિંગણપોર રોડ પારવતી નગરની પાછળ આવેલા બારડ ટ્રેડર્સના પ્રોપાઇટર રમેશ બાવચંદ બારડ, મોટા વરાછા સુદામા ચોક સીટી મોલમાં બીજા માળે ગણેશ એન્ટરપ્રાઇઝના પ્રોપાઇટર ધ્રુવીક હિતેશ પરમાર, નવસારી ચીખલી વાંસદા રોડના પુપાલી એન્ટરપ્રાઇઝના પ્રોપાઇટર મયુર પ્રેઇન વાળા, અડાજણ પાલનપોર રાજ વર્લ્ડ શોપિંગ કોમ્પ્લેક્ષમાં હાર્દિક એન્ટરપ્રાઇઝના પ્રોપાઇટર હાર્દિક અરવિંદ પરમાર, કોસાડ રોડ ગૃહંમ આઈકોનમાં ટીયારા એન્ટરપ્રાઇઝના પ્રોપાઇટર ઈન્દ્રજીત ચરનેવ મૌર્યા, કોસાડ વરીયાવ રોડ પર ગૃહંમ આઈકોનમાં બોસ એન્ટરપ્રાઇઝના પ્રોપાઇટર રમેશ હરજી રાઠોડ, ભરથાણા સમર્પણ બિઝનેસ હબમાં સિલ્વર એન્ટરપ્રાઇઝના પ્રોપાઇટર અજય બટુક મકવાણા સામે ઠગાઈનો ગુનો નોંધાયો છે.

અંગદાનની રાજ્યવ્યાપી જાગૃકતાનું પરિણામ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું 141મું અંગદાન, હ્રદય, બંને કિડની અને લીવરનું દાન મળ્યું

January 24th, 2024

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 19મી જાન્યુઆરીએ જામનગર થી બ્રેઇનહેમરેજની હાલતમાં એક દર્દી આવ્યું. સ્વાસ્થ્ય સ્થિતિ અત્યંત ગંભીર હતી . જેથી દર્દીને આઇ.સી.યુ.માં દાખલ કરીને સઘન સારવાર શરૂ કરવામાં આવી.
સિવિલના તબીબોએ આ દર્દીને બચાવવાના તમામ પ્રયત્નો કર્યા પરંતુ અંતે પ્રભુને ગમ્યું એ જ થયું. 48 કલાકની સઘન સારવારના અંતે આ દર્દીને બ્રેઇનડેડ જાહેર કરાયો.
બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમના કાઉન્સેલર્સ અને તબીબો દ્વારા દર્દીના પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવ્યા.
દર્દીના પુત્ર, તમામ ભાઇ અને દર્દીના પત્નીને જ્યારે અંગદાનની વાત કરી ત્યારે તેમણે જે કહ્યું અને તેના પછી જે નિર્ણય કર્યો તે ક્ષણ ગૌરવની હતી. સ્વજનોએ કહ્યું કે , “હા, અમને અંગદાનના મહત્વ વિશે ખબર છે. અંગદાન કરવાથી કોંઇક જરૂરિયાતમંદને નવજીવન મળે છે. સમગ્ર પરિવારનું દુ:ખ દુર થાય છે. માટે અમારે પણ અમારા સ્વજનનું અંગદાન કરવું છે”.
સમગ્ર ઘટના એવી છે કે, જુનાગઢના જસપરા માલીયા ગામમાં રહેતા 51 વર્ષના કાલુભાઇ ચોપડા કે જેઓ રીક્શા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.તા. 19 જાન્યુઆરીના રોજ તેઓની રીક્શા એકાએક પલ્ટી ખાઇ જતા માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઇ.
ઇજાઓ અત્યંત ગંભીર જણાતા પ્રાથમિક સારવાર અર્થે તેઓને જામનગરની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. પરંતુ સ્થિતિ અત્યંત ગંભીર અને બ્રેઇન હેમરેજ જણાતા તેઓને હોસ્પિટલમાંથી અમદાવાદ સિવિલમાં રીફર કરવામાં આવ્યા..
અમદાવાદ સિવિલ હોસ્પિટલમા લાવ્યા ત્યારે પણ સ્વાસ્થ્ય સ્થિતી અતિગંભીર હતી . જેથી તબીબોએ તુરંત જ આઇ.સી.યુ.માં શિફ્ટ કરીને ઇમરજન્સી સારવાર શરૂ કરી. આ સમગ્ર સારવારના અંતે 48 કલાક બાદ તબીબો દ્વારા કાલુભાઇને બ્રેઇનડેડ જાહેર કરાયા.
બ્રેઇનડેડ જાહેર થયા બાદ પરિવારજનોએ પરોપકારને સર્વોચ્ય સ્થાને રાખીને ગણતરીની મીનિટોમાં જ પોતાના સ્વજનના અંગદાન થકી અન્ય જરૂરિયાતમંદને નવજીવન આપવા માટેનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો.
આ નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ કાલુભાઈના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.ડૉ. પુંજીકા,ડૉ.મોહિત અને તેમની ટીમના અથાક પ્રયત્નો અને 5 થી 6 કલાકની ભારે જહેમતના અંતે હ્રદય, બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.
રીટ્રાઇવ થયેલા આ તમામ અંગોને સિવિલ મેડિસીટીની જ વિવિધ હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા. જેમાં હ્રદયને યુ.એન.મહેતા હોસ્પિટલ તેમજ બંને કિડની અને લીવરને કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના અથાક પ્રયત્નો તેમજ સરકાર, સેવાભાવી સંસ્થાઓ, મીડિયાના સહિયારા પ્રયાસોના પરિણામે જ આજે અંગદાનની જાગૃકતા રાજ્યવ્યાપી પ્રસરી છે. જેના પરિણામ સ્વરૂપ જ જુનાગઢના આ ચોપડા પરિવારે અંગદાનનો નિર્ણય ગણતરીની મીનિટોમાં કર્યો અને ચાર લોકોને નવજીવન આપવામાં સફળતા મળી.

વ્યક્તિ બ્રેઇનડેડ થાય ત્યારે અંગોને રીટ્રાઇવ કર્યા બાદ હ્રદય અને ફેફસાંને 4 થી 6 કલાક, હાથ 6 કલાક, નાનું આંતરડું 4 થી 6 કલક, લીવર 8 થી 12 કલાક, કિડની 24 થી 36 કલાકની સમય અવધિમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવું અત્યંત જરૂરી બની રહે છે.
આ નક્કી કરેલ સમય અવધિમાં અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં ન આવે તો સમગ્ર પ્રક્રિયા અને અંગનો વ્યય થઇ જાય છે.

અમદાવાદના માધુપુરા ક્રિકેટ સટ્ટાના મુખ્યસૂત્રધારનું 1195 કરોડનું વધુ એક સટ્ટા રેકેટ પકડાયું

January 24th, 2024

સૂત્રોના જણાવ્યા અનુસાર માધવપુરામાંથી પકડાયેલા રૂ.2500 કરોડના ક્રિકેટ સટ્ટાના મુખ્ય સૂત્રધાર અમિત મજેઠિયાનું વધુ એક રૂ.1195 કરોડનું ક્રિકેટ સટ્ટાનું રેકેટ પકડાયુ છે. આ રેકેટમાં પણ ઓન લાઈન ઓએસટી અને સીબીટીએફ બુક નામની એપ્લિકેશનથી સટ્ટો રમાડતો હતો. મજૂરો, ખેડૂત, ડિલિવરી બોયના ડમી બેંક એકાઉન્ટનો ઉપયોગ પૈસા ટ્રાન્સફર કરવા થયો હતો. માધવપુરાના ક્રિકેટ સટ્ટામાં ફરાર અમિત મજેઠિયા શ્રીલંકાથી સટ્ટાનું નેટવર્ક ચલાવે છે. સીઆઈડી ક્રાઈમે તેની સામે 7 ગુના નોંધ્યા છે.

હેમંત ટ્રેડિંગના એકાઉન્ટમાં એક જ વર્ષમાં રૂ.342 કરોડ, શિવમ ટ્રેડિંગના ખાતામાં રૂ.636 કરોડ અને ખોનાજી વાઘેલાના એકાઉન્ટમાં રૂ.217 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા. ખાતેદારની ચેક બુક અને પાસબુક સટ્ટો રમાડતી ટોળકી તેમની પાસે રાખી એકાઉન્ટ ઓપરેટ કરતી હતી. સટ્ટો રમાડવા માટે બનાવવામાં આવેલી બંને એપ જૂનાગઢના ભાવેશ સચાણીયા અને અમિત મજેઠિયાના નામે રજિસ્ટર્ડ થઈ હતી. સીઆઈડી ક્રાઇમે મજેઠિયા ઉપરાંત ઓમશંકર તિવારી, ભાવેશ સચાણિયા, અશ્વિન સચાણિયા, ધનંજય પટેલ, વિકી અને ભાવેષ જોશી સામે ગુનો નોંધ્યો છે. ટોળકીએ એક વર્ષમાં 2,92,842 એન્ટ્રીથી જુદા જુદા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

મજૂરના નામે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો બતાવ્યો લીમડીમાં રહેતા અને મજુરી કરતા શિવમ રાવળે લોન લેવા માટે વીકી નામના માણસને ડોક્યુમેન્ટસ આપ્યા હતા. તે ડોક્યુમેન્ટસના આધારે વીકીએ શિવમના નામથી નવરંગપુરા અનહિલ કોમ્પ્લેક્સમાં શિવમ ટ્રેડિંગ નામની એક્સપોર્ટ-ઈમ્પોર્ટની કંપની બનાવીને કંપનીના નામનું નરોડાની આઈડીએફસી બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેમાં રૂ.636 કરોડના ટ્રાન્ઝેક્શન થયાં હતાં.

ગુજરાતના ડૉ.યઝદી ઇટાલિયાને મળ્યો પદ્મશ્રી એવોર્ડ : જાણો તેમના વિશે…

January 26th, 2024

75 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

January 26th, 2024

મોરબી-માળિયા હાઈવે પર ડમ્પર પાછળ ઘુસતા યુવાનનું મોત

January 25th, 2024

બનાસકાંઠાના દિયોદરમાં પરિવારે કેનાલમાં ઝંપલાવ્યું

January 25th, 2024

અપક્ષ ધારાસભ્યપદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામું, વાઘોડિયા બેઠક પરથી ભાજપમાંથી પેટા ચૂંટણી લડશે

January 25th, 2024

ગુજરાત પોલીસના 17 અધિકારી-કર્મચારીઓને મેડલ એનાયત કરાશે

January 25th, 2024

વડોદરાના ભોજ ગામે રામયાત્રા પર હુમલાના કેસમાં 13 ઝબ્બે

January 25th, 2024

સુરતમાં 8 બોગસ પેઢીએ 200 કરોડનાં નકલી GST બિલ બનાવી 30 કરોડથી વધુનો ચૂનો ચોપડ્યો

January 25th, 2024

અંગદાનની રાજ્યવ્યાપી જાગૃકતાનું પરિણામ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું 141મું અંગદાન, હ્રદય, બંને કિડની અને લીવરનું દાન મળ્યું

January 24th, 2024

અમદાવાદના માધુપુરા ક્રિકેટ સટ્ટાના મુખ્યસૂત્રધારનું 1195 કરોડનું વધુ એક સટ્ટા રેકેટ પકડાયું

January 24th, 2024