સર્વેક્ષણ:IT, BPM ક્ષેત્રે રોજગારી 43% ઘટી જાન્યુ.-માર્ચમાં રિકવરીનો અંદાજ

November 30th, 2022

દેશમાં ઓક્ટોબર મહિનામાં IT અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ (BPM) સેક્ટરમાં બહુ ઓછી નવી રોજગારીનું સર્જન થયું હતું. જાન્યુઆરી-સપ્ટેમ્બરની સરખામણીએ ઓક્ટોબરમાં આ ક્ષેત્રોની કંપનીઓમાં 43% ભરતી થઈ હતી. મિડ-મેનેજમેન્ટ રિક્રુટમેન્ટ ફર્મ CIEL HR સર્વિસે ટોચની 50 ભારતીય IT/BPM કંપનીઓના સર્વેક્ષણમાંથી આ પરિણામ મેળવ્યું છે.

વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને અનિશ્ચિતતા, સામાન્ય કરતાં વધુ મોંઘવારી, મંદીની આશંકા અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઉભી થયેલી સ્થિતિને તેનું કારણ જણાવવામાં આવ્યું છે. જોકે આ જ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં IT-BPM સેક્ટરમાં હાયરિંગ વધશે. આ દરમિયાન ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરની તુલનામાં લગભગ 15% વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. સર્વેમાં સામેલ 51% થી વધુ કંપનીઓ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભરતીની અપેક્ષા રાખે છે.

IT કંપનીઓએ કોવિડ-19 દરમિયાન વધુ ભરતી કરી હતી હવે છટણી કરવામાં આવી છે. IT કંપનીઓએ કોવિડ મહામારી દરમિયાન મોટા પાયે ભરતી કરી હતી. તે સમયે ટેક સેક્ટરમાં તેજીની ધારણા હતી પરંતુ પરિસ્થિતિ સુધર્યા બાદ નવી વૈશ્વિક સમસ્યાઓ ઊભી થઈ છે. નવી ભરતીને બદલે છટણી શરૂ કરી છે. આ મહિનાની શરૂઆતમાં, ફેસબુકની મૂળ કંપની મેટા, ટ્વિટર, માઇક્રોસોફ્ટ, એમેઝોન જેવી ટેક કંપનીઓએ મોટા પાયે છટણી કરી છે.

IT કંપનીઓનો હજુ પણ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ
CIEL HR સર્વિસિસના MD અને CEO આદિત્ય નારાયણ મિશ્રાએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્થિતિઓ ભરતીમાં ઘટાડાનું મુખ્ય કારણ છે. IT કંપનીઓએ રશિયા-યુક્રેન યુદ્ધ,મોંઘવારી-મંદી,સ્ટાર્ટઅપ ફંડિંગમાં ઘટાડો જેવા કારણોથી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. અત્યારે તેઓ ખૂબ જ મહત્વપૂર્ણ ભરતીઓ જ કરી રહ્યા છે. જોકે જાન્યુઆરી-માર્ચમાં ભરતીમાં વધારો થશે.