ડિસેમ્બરમાં આ ચાર કામ પુરા કરો:ITR ફાઈલ કરવાનો છેલ્લો ચાન્સ, એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો કરાવી શકો છો જમા, નહીં તો દંડ ભરવો પડશે

November 30th, 2022

ગણતરીના દિવસોમાં ડિસેમ્બર મહિનો શરૂ થઇ જશે. 2022 પૂરું થાય તે પહેલાં ટેક્સ સંબંધિત આ ચાર કામ જરૂરથી પુરા કરી લો. જેમાં લેટ ફી સાથે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું, ભરવામાં આવેલા આઈટીઆરમાં થયેલી ભૂલ સુધારવી, જીએસટી રિટર્ન-9Cનું ફાઇલિંગ અને એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો સામેલ છે.

સીએ કીર્તિ જોશી જણાવે છે કે, જો આ પૈકી કોઈપણ કામ ભૂલી જવાઈ છે તો તમારે તેની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. આ માટે તમારે મસમોટો દંડ ભરવો પડશે તો વધારાનું વ્યાજ પણ ભરવું પડશે અથવા કાનૂની નોટિસનો જવાબ આપવો પડશે. જો તમે થોડી પણ તકેદારી રાખો છો તો આ મુશ્કેલી તમારા જીવનમાં આવશે જ નહીં. હજુ પણ તમારી પાસે પૂરતો સમય છે.

લેઇટ ફી સાથે ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરો
જો તમે 2021-22નું આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું નથી, તો તમે લેઇટ ફી સાથે 31 ડિસેમ્બર સુધીમાં ફાઇલ કરી શકો છો. જો કુલ આવક 5 લાખથી ઓછી હોય, તો તમારે 1,000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે. જો કુલ આવક 5 લાખથી વધી જાય તો 5,000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે.

એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો
2022-23 એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો ભરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2022 છે. જે લોકો વાર્ષિક 10 હજારથી વધુ ઇન્કમટેક્સ ભરે છે, તેમને એડવાન્સ ટેક્સ આપવો પડે છે. જો 15 ડિસેમ્બર સુધીમાં તેઓ 75% ટેક્સ અગાઉથી જમા નહીં કરે અથવા ઓછો ટેક્સ જમા કરશે તો 1% વ્યાજ લેવામાં આવશે.

આઇટી રિટર્નમાં ભૂલ સુધારવી
2021-22માં ઇન્કમ ટેક્સ રીર્ટન ફાઈલ તો કરી દીધું છે, પરંતુ કોઈ ભૂલ થઇ ગઈ છે. તો તમે 31 ડિસેમ્બર સુધી રિવાઇઝડ રિટર્ન ફાઈલ કરી શકો છો, આ બાદ તમે તમારી ભૂલ સુધારી નહીં શકો. જેના કારણે તમને ઇન્કમટેક્સની નોટિસ પણ આવી શકે છે.

GSTR- 9C ફાઈલ કરવું
જીએસટી સાથે નોંધાયેલા કરદાતાઓએ દર નાણાકીય વર્ષના અંત પછી વાર્ષિક વળતર GSTR- 9ફાઇલ કરવું જરૂરી છે. જો જરૂરી હોય તો GSTR- 9C ફાઇલ કરવું પડશે. આ માટે 2021-22 માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.

જો તમે 31 ડિસેમ્બર બાદ રિટર્ન ફાઈલ કરો છો તો 200 રૂપિયાના હિસાબે લેઇટ ફી આપવી પડશે. આ રકમ ટર્ન ઓવર મહત્તમ 0.5% સુધી જઈ શકે છે. GSTR- 9C 5 કરોડ રૂપિયાથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે છે.