ભાજપના ઉમેદવાર ઉંધા ફસાયા:’હું જીતીશ તો ટોપલામાં દારૂ વેચાવડાવીશ’ બોલનાર ભાજપના ઉમેદવાર પર FIR ફાટી

November 30th, 2022

ગુજરાત વિધાનસભાનું ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય નેતાએ મતદારોને રીઝવવા કંઇપણ નિવેદનો આપી રહ્યા છે. બે દિવસ અગાઉ બનાસકાંઠાના દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવારનું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવારે કહ્યું હતું કે, હું જીત્યા પછી ખોળામાં નહીં ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેંચાવીશ. જે અંગે તેમના વિરૂદ્ધ દાંતા ચૂંટણી અધિકારી હર્ષાબેન રાવલે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે.

આચારસંહિતા ભંગની ફરિયાદ
બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુ પારઘીનો વિવાદિત નિવેદન સામે આવ્યું હતો. જેમાં તેઓ કહી રહ્યા છે કે, ‘કેટલાક લોકો અંગ્રેજી દારૂ ખુલ્લામાં વેચે છે અને અમારી કેટલીક બહેનો સંતાડીને દેશી દારૂ વેચે છે. ચિંતા ના કરો, હું જીતી જઈશ તો ટોપલામાં દારૂ વેચાવડાવીશ.’ આ વીડિયો સામે આવતા હડકંપ મચ્યો હતો. જેમની સામે ચૂંટણી અધિકારીએ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દાંતા બેઠકની સ્થિતિ
દાંતા વિધાનસભા બેઠક હેઠળ દાંતા તાલુકા અને અમીરગઢ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠક પર કુલ 2.10 લાખથી વધુ મતદારો છે. જેમાં 1, 04,418 પુરુષ મતદાર છે. જ્યારે 98000 જેટલી મહિલા મતદાર છે. આ વિધાનસભામાં કુલ 265 બુથ આવેલા છે.

આ બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ
દાંતા વિધાનસભાના જ્ઞાતિ જાતિના સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. તેમની સંખ્યા 83 હજારથી વધુ છે. બીજી તરફ ઠાકોર 23230, રાજપૂત 12582, મુસ્લિમ 11626, રબારી 7643, પ્રજાપતિ 6094, દલિત 6405, ચૌધરી પટેલ 3429 અને અન્ય 18067 છે. એકંદરે જોઈએ તો કુલ મતદારોના 42 ટકા જેટલા મતદારો આદિવાસી છે. આ ઉપરાંત આ બેઠક પણ આદિવાસી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવતી હોય છે. જેના પગલે રાજકીય પક્ષો માટે ઉમેદવાર પસંદગીની તકો ઓછી રહે છે. પરિણામે પક્ષ પલટો વધુ જોવા મળે છે.

પુરુષોત્તમ રૂપાલાનું આગવી શૈલીમાં સંબોધન:ડીસામાં ભાજપ ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા; અંતમાં ‘જય ભવાની, કોંગ્રેસ જવાની’ના નારા લાગ્યા

November 30th, 2022

સમર્થકો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત
ડીસા તાલુકાના ઝેરડા ગામે આજે ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની જાહેર સભાનું આયોજન કરાયું હતુ. આ સભામાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, ડીસા તાલુકા પંચાયત પ્રમુખ ગલાબજી ઠાકોર, કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ ફુલચંદ કચ્છવા, નિર્મલપુરી માતાજી, ડો.રીટાબેન પટેલ સહિત ભાજપના આગેવાનો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જીતી જાય તો પણ અપક્ષ ક્યાં જવાની: પુરુષોત્તમ રૂપાલા
સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તેઓ પ્રથમ તબક્કાના મત વિસ્તારમાં તમામ જગ્યાએ સભાઓ કરીને આવ્યા છે. પરંતુ હજુ સુધી ભાજપના વિકાસ રથને રોકી શકે તેવું કોઈ ચિન્હ મળ્યું નથી. જે રીતે બાવળિયાને જેસીબીથી ઉખાડીને ફેકીએ છીએ તે રીતે આ વખતે કોંગ્રેસને ઉખાડીને ફેંકી દેવા માટે લોકોને આહવાન કર્યું હતું. ભાજપમાંથી બળવો કરી અપક્ષ ચૂંટણી લડી રહેલા લેબજી માટે પણ જણાવ્યું હતું કે, લેબજીએ એવું ન કરવું જોઈએ. જીતી જાય તો પણ અપક્ષે ક્યાં જવાનું, સરકાર ભાજપની જ બનવાની છે. દિલ્હી બાજુ સડકો જ બંધ છે, તમારે વાયા મીડિયા કામ માટે અમારી પાસે આવવું એના કરતાં સીધા રસ્તે પ્રવિણને સાથ આપી તેની સાથે આવવું જોઈએ તેમ જણાવ્યું હતું. છેલ્લે ‘જય ભવાની, કોંગ્રેસ જવાની’ના નારા લગાવી સભાની પૂર્ણ કરી હતી.